Today Weather Update: ગુજરાતમાં ચોમાસું ફરી એકવાર જોર પકડી રહ્યું છે અને હવામાન વિભાગે અનેક જિલ્લાઓ માટે ભારે વરસાદની આગાહી જાહેર કરી છે. આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની ચેતવણીને પગલે સુરત જેવા સંવેદનશીલ શહેરોમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.
ગઈકાલે સવારે વરસાદનું જોર થોડું ઓછું થયું હતું, પરંતુ બપોર બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ફરીથી તોફાની વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદ, સુરત સહિત અનેક શહેરોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ઝારખંડ અને તેની આસપાસના ઉત્તર છત્તીસગઢ વિસ્તારમાં સક્રિય થયેલા ડિપ્રેશનના કારણે આગામી બેથી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ સતત નજર રાખી રહ્યું છે અને જરૂર મુજબ નવી આગાહીઓ પણ જાહેર કરવામાં આવી રહી છે.
કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ છે?
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં આવેલી તમામ શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સલામતી અને હિતને પ્રાથમિકતા આપતાં શિક્ષણ વિભાગે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ભારે વરસાદને કારણે સર્જાઈ શકે તેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાલીઓ અને વિદ્યાર્થીઓને પણ જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના મહુવામાં આખો દિવસ સૂકું વાતાવરણ રહ્યા બાદ મધરાતે અચાનક કડાકા-ભડાકા અને ભારે પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. સ્વામિનારાયણ ધામ, કોલેજ રોડ, ગાર્ડન રોડ, કુબેર બાગ, ગાંધીબાગ સહિત શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર વરસાદી પાણી વહેવા લાગ્યા અને સમગ્ર શહેરમાં વરસાદી માહોલ છવાઈ ગયો.
માછીમારો માટે પણ મહત્વની ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન જખૌ, માંડવી (કચ્છ), મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી, સલાયા, ઓખા, બેડી, સિક્કા (જામનગર), પોરબંદર, મુળદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, પોર્ટ વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ અને દહેજ સહિત ગુજરાતના દરિયાકાંઠે 40થી 50 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે અને કેટલાક વિસ્તારોમાં 60 કિ.મી. પ્રતિ કલાક સુધીના તેજ પવન ફૂંકાઈ શકે છે. ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, અમરેલી, કચ્છ, પોરબંદર અને વલસાડ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે.