આ વર્ષે ચોમાસુ હજુ પૂરું થયું નથી, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં સરેરાશ કરતા અતિભારે વરસાદ નોંધાયો છે. આવતું વર્ષ પણ આ જ પ્રકારે વરસાદથી ભરપૂર હોવાનો વર્તારો જૂનાગઢના દેશી આગાહીકાર રમણીકભાઈ વામજાએ વ્યક્ત કર્યો છે.
શરદ પૂનમ અને કુદરતમાંથી મળતા સંકેતો અનુસાર આવતું વર્ષ પણ ધન-ધાન્ય અને વરસાદથી ભરપૂર હોવાનું અનુમાન છે.
આ વર્ષે ચૈત્ર વૈશાખ જેઠ અને અષાઢ મહિનાની પૂનમ દરમિયાન ચૈત્રી પૂનમના દિવસે રેવતી નક્ષત્ર હોવાથી અતિભારે વરસાદ પડ્યો હતો. તો વૈશાખ મહિનાની પૂનમના દિવસે કૃતિકા નક્ષત્રને કારણે પણ ખૂબ સારો વરસાદ પડ્યો હતો.
શરદ પૂનમના દિવસે વાદળોની ગેરહાજરી ગરમીનું પ્રમાણ તેમજ ચંદ્ર અને સૂર્ય સ્પષ્ટ દેખાય તેવી સ્થિતિમાં આવનારું વર્ષ વરસાદની દ્રષ્ટિએ નબળું હોવાનું પણ કેટલાક વર્ષોમાં સામે આવ્યું છે.
શરદ પૂનમના દિવસે રાત્રીના આઠ વાગ્યાથી લઈને વહેલી સવારે 6:00 વાગ્યા સુધી ચંદ્રના અજવાળે ખાડ અને પૌવા ખુલ્લા આકાશ નીચે રાખ્યા બાદ તેમાં નોંધાતા ભેજના પ્રમાણ પરથી આવનારું વર્ષ વરસાદ માટે કેવું હશે તેનો વર્તારો થાય છે.
આ વર્ષે પણ ખાંડ અને પીવામાં પૂરતા પ્રમાણમાં ભેજનું પ્રમાણ જોવા મળ્યું હતું. તેથી એવી શક્યતા વ્યક્ત થઈ શકે કે આવનારું વર્ષ પણ વરસાદને લઈને ખૂબ સારું રહેવાનું છે.
જો હાથીયા નક્ષત્રમાં ગાજવીજની સાથે ધોધમાર વરસાદ પડે તો તે પછીનું આવનારુ વર્ષ પણ વરસાદ માટે ખૂબ સારું હોવાનું માનવામાં આવે છે. આ વર્ષે હાથીયા નક્ષત્રમાં ગાજવીજ સાથે ધોધમાર 10 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે.
જેને કારણે આવનાર વર્ષે પણ ચોમાસું વરસાદથી ભરપૂર હોવાની શક્યતા છે. આ સિવાય 21 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર દરમિયાન દરિયાઈ વિસ્તારમાં કેટલીક જગ્યા પર છૂટા છવાયા વરસાદની પણ શક્યતા છે.
આજે પણ સૌરાષ્ટ્રમાં દેશી પદ્ધતીથી વરસાદની આગાહી વ્યક્ત થાય છે. પાછલા 30 વર્ષથી રમણીક વામજા કુદરતમાંથી મળતા સંકેતોને લઈને ચોમાસા દરમિયાન વરસાદની આગાહી કરે છે.
આ વર્ષે પણ તેમના દ્વારા કરવામાં આવેલી મોટાભાગની આગાહીને અનુરૂપ વરસાદ પડી રહ્યો છે. રમણીક વામજા કુદરતમાંથી મળતા 22 મુદ્દાને આધારે વરસાદનું પૂર્વાનુમાન કરે છે.