Monsoon 2026: ભારતીય હવામાન વિભાગ (IMD), અમદાવાદ કેન્દ્ર દ્વારા આગામી 7 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે વરસાદની નવી આગાહી અને ચેતવણી જાહેર કરવામાં આવી છે. આગામી કેટલાક દિવસો રાજ્યના અનેક ભાગો માટે ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ - ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 6 થી 7 જુલાઈ દરમિયાન અત્યંત ભારે વરસાદ માટે "રેડ એલર્ટ" જાહેર કરાયું છે. અન્ય વિસ્તારોમાં પણ ભારેથી મધ્યમ વરસાદની શક્યતા છે. સિઝનમાં પહેલીવાર આ પ્રકારની ગંભીર ચેતવણી જારી કરાઈ છે, જેમાં આભ ફાટે તેવી સ્થિતિ અને પૂર આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત: ડાંગ, નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આશંકા છે.
સૌરાષ્ટ્ર: ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ આભ ફાટે તેવી (અત્યંત ભારે) વરસાદી સ્થિતિ સર્જાઈ શકે છે.
અત્યંત ભારે વરસાદ: ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ સમાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે.
ભારેથી અતિભારે વરસાદ: છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
ભારે વરસાદ: પંચમહાલ, મહીસાગર, વડોદરા અને પોરબંદરમાં ભારે વરસાદની સંભાવના છે.
સામાન્ય વરસાદ: ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને આણંદમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન અને મધ્યમ મેઘગર્જના સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે.
દક્ષિણ ગુજરાતના ડાંગ, નવસારી, વલસાડમાં અત્યંત ભારે વરસાદનો દોર ચાલુ રહેશે. સુરત, તાપી, ભરૂચ, ભાવનગર અને અમરેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના યથાવત છે.
મંગળવારથી વરસાદનું જોર થોડું ઘટશે, છતાં વલસાડ, નવસારી, ડાંગ અને દમણમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બનાસકાંઠા અને મહેસાણા સહિતના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.
ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકાની આગાહીને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને દરિયાકાંઠાના લોકોને સાવધ રહેવા અપીલ કરવામાં આવી છે.