રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આજથી વરસાદનું જોર ઓછું થવાની આગાહી કરવામાં આવી છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, આગામી 22મી ઓક્ટોબરથી અંદમાન નિકોબાર પાસે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે.
જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થઈ શકે છે. રાજ્યમાં માવઠાને કારણે જગતનો તાત માથે હાથ દઈને બેઠો છે. અનેક વિસ્તારોના ખેડૂતોનો પાકને ઘણું નુકસાન પામ્યું છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહીમાં જણાવ્યું છે કે, ઓક્ટોબર મહિનામાં કમોસમી વરસાદ થઈ રહ્યો છે. ત્યારે નવેમ્બર મહિનામાં પણ માવઠું થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે. તેમણે જણાવ્યું છે કે, ઓક્ટોબર બાદ નવેમ્બરમાં પણ ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા છે.
7થી 13 નવેમ્બરના બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થશે. જો સિસ્ટમ વિશાખાપટ્ટનમ થઈને આવે તો ગુજરાતમાં અસર થઈ શકે. 13 નવેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે અને અરબ સાગરમાં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત થશે તો 13થી 15 નવેમ્બરના ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે ગુજરાતના હવામાન અંગેની પાંચ દિવસની આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજથી ગુજરાતમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકું રહેવાની આગાહી છે.
મંગળવારના તાપમાનની વાત કરીએ તો, અમદાવાદમાં 34.6 ડિગ્રી અને ગાંધીનગરમાં 34.8 ડિગ્રી નોંધાયું હતું. આગામી પાંચ દિવસ આખા ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે.
હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં તાપમાન 36 ડિગ્રી રહેવાની આગાહી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સાત દિવસ વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ આજે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે.
રાજ્યના વિવિધ ભાગોમાં પડેલા માવઠાને કારણે કપાસ, મગફળી, સોયાબીન, મરચા, ડુંગળી સહિતનાં તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. જેને લઈને ખેડૂતોમાં વહેલી તકે યોગ્ય સહાય વળતર ચૂકવવા માંગ ઊઠી છે. ખેડૂતોને દિવાળી પહેલા યોગ્ય વળતર મળે તો તેમની દિવાળી સુધરી શકે છે.