ICC T20 Ranking: ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તાજી રેન્કિંગમાં ભારતના ઈશાન કિશન વિશ્વના નંબર-1 T20 આંતરરાષ્ટ્રીય બેટ્સમેન બની ગયા છે. આયર્લેન્ડ સામેની શ્રેણીના સમાપન બાદ જાહેર થયેલી આ અપડેટેડ રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો ભારે દબદબો જોવા મળ્યો છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) દ્વારા જાહેર કરાયેલા નવા T20I બેટિંગ રેન્કિંગ (T20I Batting Rankings) એ ક્રિકેટ જગતમાં ચર્ચા જગાવી છે. ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશન (Ishan Kishan) હવે વિશ્વનો નંબર-1 T20I બેટ્સમેન બની ગયો છે. જોકે, આ ફેરફારે ઘણા ક્રિકેટ ચાહકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે, કારણ કે અભિષેક શર્મા (Abhishek Sharma) એ તાજેતરની શ્રેણીમાં ઇશાન કરતાં વધુ રન બનાવ્યા હોવા છતાં ટોચનું સ્થાન ગુમાવ્યું છે.
આયર્લેન્ડ (Ireland) સામેની T20I શ્રેણી શરૂ થાય તે પહેલાં અભિષેક શર્મા 875 રેટિંગ પોઈન્ટ્સ સાથે પ્રથમ ક્રમે હતો, જ્યારે ઇશાન કિશન 871 પોઈન્ટ સાથે બીજા સ્થાને હતો. શ્રેણીની પ્રથમ મેચમાં અભિષેકે માત્ર 20 બોલમાં 49 રનની ઝડપી ઇનિંગ્સ રમી હતી, પરંતુ બીજી મેચમાં તે પ્રથમ જ બોલે ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. બીજી તરફ ઇશાન કિશને પ્રથમ મેચમાં માત્ર 1 અને બીજી મેચમાં 12 રન બનાવ્યા હતા. તેમ છતાં નવા ICC રેન્કિંગમાં ઇશાનના 876 રેટિંગ પોઈન્ટ થયા અને તે નંબર-1 પર પહોંચી ગયો, જ્યારે અભિષેકના પોઈન્ટ ઘટીને 869 થયા. માનવામાં આવે છે કે બીજી મેચમાં શૂન્ય પર આઉટ થવાથી અભિષેકના રેન્કિંગને મોટો ફટકો પડ્યો.
ઇશાન કિશને 21 જાન્યુઆરી, 2026ના રોજ લગભગ 3 વર્ષ બાદ T20I ક્રિકેટમાં વાપસી કરી હતી. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ મેચમાં તેણે 8 રન બનાવ્યા હતા, પરંતુ ત્યારબાદ તેણે સતત શાનદાર પ્રદર્શન કર્યું. તેણે આગામી મેચમાં 76 રન ફટકાર્યા અને 31 જાન્યુઆરીએ માત્ર 43 બોલમાં 103 રનની સદી નોંધાવી. ત્યારબાદ નામિબિયા (Namibia) સામે 61 રન, T20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પાકિસ્તાન (Pakistan) સામે 77 રન અને ફાઇનલમાં 25 બોલમાં 54 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
વાપસી બાદ ઇશાન કિશને માત્ર 15 મેચમાં 545 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની સરેરાશ (Average) 36.33 અને સ્ટ્રાઈક રેટ (Strike Rate) લગભગ 200 રહ્યો છે. તેણે 4 અડધી સદી (Half-Centuries) અને એક સદી (Century) પણ ફટકારી છે. બીજી તરફ, આ જ સમયગાળા દરમિયાન અભિષેક શર્મા 6 વખત શૂન્ય પર આઉટ થયો હતો, જેના કારણે તેના રેટિંગ પોઈન્ટ્સમાં ઘટાડો થયો અને તે નંબર-1નું સ્થાન ગુમાવી બેઠો. નવા ICC T20I બેટિંગ રેન્કિંગ બાદ હવે ઇશાન કિશન વિશ્વનો ટોચનો T20I બેટ્સમેન બની ગયો છે.
સૂર્યકુમાર યાદવને ઝટકો: ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના રેન્કિંગમાં ઘટાડો થયો છે અને તેઓ હવે ટોપ-10 માંથી બહાર થવાની આરે છે.
અફઘાનિસ્તાન સામેની વનડે શ્રેણીમાં 238 રન બનાવી ટોપ સ્કોરર રહેલા શુભમન ગિલ 3 સ્થાનની છલાંગ લગાવીને બીજા ક્રમે પહોંચી ગયા છે. તેઓ હાલમાં નંબર-1 પર રહેલા ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલથી માત્ર 24 રેટિંગ પોઇન્ટ પાછળ છે.
અફઘાનિસ્તાન સામે શાનદાર સદી ફટકાર્યા બાદ ઈશાન કિશને વનડે રેન્કિંગમાં પણ 21 સ્થાનનો મોટો કુદકો માર્યો છે અને તેઓ 43મા સ્થાને પહોંચી ગયા છે.
ઈજાના કારણે શ્રેણી ગુમાવનારા વિરાટ કોહલી એક સ્થાન પાછળ ખસીને ત્રીજા નંબર પર આવી ગયા છે.
ટેસ્ટ રેન્કિંગ બોલિંગ લિસ્ટમાં જસપ્રિત બુમરાહ ફરી એકવાર ટેસ્ટમાં વિશ્વના નંબર-1 બોલર બન્યા છે.
અફઘાનિસ્તાન સામેની ટેસ્ટમાં સદી ફટકાર્યા બાદ શુભમન ગિલ બે સ્થાન આગળ વધીને ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં 8મા ક્રમે પહોંચી ગયા છે.