કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક (RBI) ના પ્રસ્તાવને મંજૂરી આપીને ₹10 અને ₹20ની પ્લાસ્ટિક (પોલિમર) નોટો બહાર પાડવાની લીલી ઝંડી આપી દીધી છે. સંસદમાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે RBIનો ઉદ્દેશ્ય કાગળની નોટો કરતાં વધુ ટકાઉ નોટો લાવવાનો છે, જે નોટોનું આયુષ્ય વધારશે.
સેન્ટ્રલ બોર્ડની ભલામણને પગલે RBIએ ₹10 અને ₹20ના પોલિમર નોટોના 100-100 કરોડ પીસ જારી કરીને ટ્રાયલ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જો આ ફિલ્ડ ટ્રાયલ સફળ થશે, તો આ બે મૂલ્યની પોલિમર નોટોનું નિયમિત ઇશ્યૂ શરૂ થશે. સેન્ટ્રલ બેંકે સ્પષ્ટતા કરી છે કે પોલિમર નોટોની શરૂઆત હાલમાં પ્રારંભિક તબક્કામાં છે.
પોલિમર નોટો ટૂંક સમયમાં જ પ્રાયોગિક ધોરણે બજારમાં મૂકવામાં આવશે.પ્રારંભિક તબક્કે દેશના કેટલાક પસંદગીના શહેરો અથવા ભૌગોલિક વિસ્તારોમાં આ નોટોનું વિતરણ કરીને તેનું પરીક્ષણ કરાશે.જો આ ફિલ્ડ ટ્રાયલ સફળ રહેશે, તો સરકાર અને RBI દ્વારા તબક્કાવાર મોટા પાયે આ પ્લાસ્ટિક નોટો આખા દેશના માર્કેટમાં લોન્ચ કરવામાં આવશે.
હાલ પૂરતો આ માત્ર એક ટ્રાયલ પ્રોજેક્ટ છે. બજારમાં ચાલતી ₹10 અને ₹20ની કાગળની નોટો પહેલાની જેમ જ માન્ય રહેશે. સરકારે આ અંગે પરિસ્થિતિ સ્પષ્ટ કરી છે. RBI હાલની કાગળની નોટોની સાથે આ નવી પોલિમર નોટો ચલણમાં લાવશે. હાલમાં કાગળની ચલણને સંપૂર્ણપણે બંધ કરવાનો કે તેને પોલિમર નોટથી બદલવાનો કોઈ પ્રસ્તાવ નથી.
પ્લાસ્ટિક નોટોના અમલીકરણથી UPI અને ડિજિટલ પેમેન્ટ પર શું અસર પડશે તે અંગે પૂછવામાં આવતા નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે પોલિમર નોટો કાયમીધોરણે લાગુ કર્યા પછી જ ખબર પડશે તેની કોઈ અસર થશે કે નહીં. સરકાર માને છે કે કાગળ/પોલિમર નોટો અને ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એકબીજાના પૂરક છે અને બંને વિકલ્પો જનતાની સુવિધા માટે ઉપલબ્ધ રહેશે.