Todat weather: હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે 23 જૂન 2026ના રોજ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી માટે સાનુકૂળ વાતાવરણ બન્યું છે. દક્ષિણ ગુજરાતના અરબી સમુદ્ર તરફથી એક વાતાવારણીય દબાણ પસાર થઈ રહ્યું હોવાથી રાજ્યમાં આગામી 24થી 48 કલાકમાં સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ શકે છે.
ગઈ કાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક સારો વરસાદ વરસ્યો હતો. જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાઠાના વિસ્તારોમાં ભાવનગરમાં સારો વરસાદ ખાબક્યો હતો. ભાવનગર જિલ્લાના દરિયાકાંઠાના મહુવા તાલુકામાં પણ સારો વરસાદ પડ્યો જેથી ખેડૂતોમાં ખુશીનો આનંદ જોવા મળ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું 'યલો એલર્ટ'
ગત દિવસોમાં પડેલા ધોધમાર વરસાદ બાદ આજે પણ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં (વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ) હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે આ વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી
મધ્ય ગુજરાત: અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જેવા જિલ્લાઓમાં આજે વાદળછાયું વાતાવરણ રહેશે અને વીજળીના કડાકા-ભડાકા તથા 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
ઉત્તર ગુજરાત અને કચ્છ: આ વિસ્તારોમાં મુખ્યત્વે હવામાન સૂકું રહેવાની શક્યતા છે, પરંતુ સ્થાનિક સ્તરે વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
સૌરાષ્ટ્રમાં વાવણી લાયક વરસાદ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના અને દક્ષિણ ભાગો જેવા કે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ પ્રી-મોન્સૂન વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ થતાં ખેડૂતોએ વાવણીની શરૂઆત પણ કરી દીધી છે.
ગુજરાતમાં ક્યારે પહોંસશે ચોમાસું
છેલ્લા બે અઠવાડિયાથી અટકેલું ચોમાસું હવે આગળ વધ્યું છે અને મુબંઇ સુધી પહોંચી ગયું છે. જે ગતિએ ચોમાસું આગળ વધ્યું તેને જોતા લાગી રહ્યું છેકે આગામી 24થી 48 કલાકની વચ્ચે મેઘરાજા વિધિવત ગુજરાતમાં પ્રવેશ કરી શકે છે. હવામાન વિભાગના નેશનલ સેન્ટર ફોર મીડિયમ રેન્જ વેધર ફોરકાસ્ટિંગ અનુસાર, 23 જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. ગુજરાતને અડીને આવેલા મહારાષ્ટ્રના ભાગોમાં સારો વરસાદ થઇ શકે છે. જેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે. વરસાદની આ પેટર્ન અનસુાર, ચોમાસું 23 જૂન 2026 એટલે કે આજે દક્ષિણ ગુજરાત નજીક પહોંચી શકે છે. જેના પગલે દક્ષિણ ગુજરાતમાં હળવોથી ધોધમાર વરસાદ થઇ શકે છે. 24 જૂન કે 25 જૂનના રોજ ચોમાસાનું ગુજરાતમાં આગમન થઇ શકે છે.