ઓનલાઈન ફ્રોડ અને સ્કેમ્સને રોકવા માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા એક મોટો અને મહત્વનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.આ પ્રસ્તાવ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઈન ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવાનો છે.
1 કલાકનો સમય
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ઓનલાઈન છેતરપિંડી રોકવા માટે એક મોટું પગલું ભરવાની તૈયારીમાં છે. RBI એ પ્રસ્તાવ મૂક્યો છે કે જો કોઈ ગ્રાહક ₹10,000થી વધુ રકમનું ઓનલાઈન ટ્રાન્સફર શરૂ કરે છે, તો ચુકવણી પૂર્ણ થવામાં એક કલાકનો સમય લાગી શકે છે. જ્યારે દેશના બેંકિંગ ઉદ્યોગે આ સુરક્ષા માપદંડને સમર્થન આપ્યું છે, ત્યારે તેણે સામાન્ય લોકો માટે સુવિધા અને સંભવિત તકનીકી પડકારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. બેંકો માને છે કે આ નિયમ છેતરપિંડી રોકવામાં મદદ કરશે પરંતુ સ્વીકારે છે કે સામાન્ય લોકોને રોજિંદા વ્યવહારો દરમિયાન અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.
પૈસા કેન્સલ કરવાનો વિકલ્પ
આ 1 કલાક દરમિયાન તમારા ખાતામાંથી પૈસા કામચલાઉ ધોરણે કપાશે (Debited), પરંતુ જો તમને છેતરપિંડીની શંકા જાય તો તમે ટ્રાન્ઝેક્શન કેન્સલ કરીને પૈસા પાછા મેળવી શકશો. બેંકિંગ નિષ્ણાતોએ એ પણ સ્પષ્ટતા કરી છે કે આ પગલું દરેક પ્રકારના વ્યવહાર પર આડેધડ રીતે લાગુ ન થવું જોઈએ.
આ નિયંમ બધા માટે લાગુ નહીં પડે
દુકાનદારો, ઓનલાઈન શોપિંગ, મોબાઈલ ફોન ખરીદનાર ગ્રાહક, કે બિલ પેમેન્ટ જેવા વ્યવહારોમાં કોઈ વિલંબ નહીં થાય જેથી વેપારને અસર ન પહોંચે.
વ્હાઇટલિસ્ટ કરેલ વ્યકતી માટે આ નિયમ લાગુ નહીં પડે
જો તમે કોઈ વિશ્વાસુ સગા કે મિત્રને વારંવાર પૈસા મોકલતા હોવ, તો તેમને 'વ્હાઇટલિસ્ટ' કરીને આ 1 કલાકના વિલંબ વગર તરત જ પૈસા મોકલી શકશો.
આ નિર્ણય કેમ લેવામાં આવશે?
નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલના ડેટા અનુસાર, ભારતમાં ડિજિટલ ફ્રોડના કેસો ખૂબ જ ઝડપથી વધ્યા છે. ₹10,000થી વધુના ટ્રાન્ઝેક્શન કુલ ફ્રોડના કેસોમાં સંખ્યાની દ્રષ્ટિએ ભલે 45% હોય, પરંતુ રકમની દ્રષ્ટિએ તે 98.5% હિસ્સો ધરાવે છે. છેતરપિંડી કરનારાઓ લોકોને ડરાવી કે લાલચ આપીને તાત્કાલિક પૈસા ટ્રાન્સફર કરાવી લે છે, તેથી આ 1 કલાકનો સમય (ગોલ્ડન અવર) ગ્રાહકને વિચારવાનો અને સાયબર ક્રાઈમથી બચવાનો મોકો આપશે.
ભવિષ્યમાં ઓનલાઈન પેમેન્ટની સુરક્ષા માટે આ નિયમ
હાલમાં આ માત્ર RBI નો એક પ્રસ્તાવ છે, જેની પર બેંકો અને નિષ્ણાતો સાથે ચર્ચા ચાલી રહી છે. બેંકો આ મર્યાદા ₹10,000 થી વધારીને ₹25,000 કરવાની પણ માંગ કરી રહી છે. આ નિયમ હજુ સત્તાવાર રીતે લાગુ થયો નથી, પરંતુ ભવિષ્યમાં ઓનલાઈન પેમેન્ટની સુરક્ષા માટે આ સિસ્ટમ આવી શકે છે.