Monsoon 2026: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે સુરત અને નવસારી જિલ્લામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તમામ સરકારી અને ખાનગી શાળાઓ-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી સમય માટે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવતા સુરત અને નવસારીના જિલ્લા શિક્ષણ અધિકારી (DEO) દ્વારા આ સત્તાવાર પરિપત્ર જાહેર કરાયો છે. સુરત અને નવસારીમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અનેક સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર તેજસ પરમારે નાગરિકોને સાવચેત રહેવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. તેમણે લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા, ગાજવીજ દરમિયાન ખુલ્લા મેદાનોમાં ન જવા તેમજ વીજ ઉપકરણો અનપ્લગ રાખવાની સલાહ આપી છે. સાથે જ માત્ર જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરવામાં આવતી સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવા અનુરોધ કર્યો છે.
સુરત મહાનગરપાલિકાએ શહેરમાં મોડી રાત્રે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરતાં વિશેષ એલર્ટ જાહેર કર્યું છે. મનપા કમિશનર એમ. નાગરાજને નાગરિકોને રાત્રે 9 વાગ્યા સુધી પોતાના ઘરે પહોંચી જવાની અને રાત્રે 9:30 વાગ્યા બાદ ઘર બહાર ન નીકળવાની અપીલ કરી છે. રાત્રે 11 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને અગાઉ કરતાં વધુ વરસાદની શક્યતા હોવાનું પણ જણાવાયું છે. ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટના વેપારીઓને પણ સમયસર વેપાર બંધ કરવા સૂચના આપવામાં આવી છે.
ભારે વરસાદની આગાહી વચ્ચે સુરતના વરાછા વિસ્તારમાં આવેલા પોદાર આર્કેડ ખાતે પાલિકા દ્વારા લાઉડસ્પીકર મારફતે વેપારીઓને દુકાનોનો કિંમતી સામાન સુરક્ષિત સ્થળે ખસેડવાની અપીલ કરવામાં આવી હતી. માત્ર 15 દિવસ પહેલાં આવેલા ખાડીપૂરમાં ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર સુધી પાણી ભરાઈ જતા કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ફરી આવી જ સ્થિતિ સર્જાય તેવી ભીતિ વચ્ચે ખાસ કરીને મોબાઇલ અને એસેસરીઝના વેપારીઓએ ઉતાવળે કિંમતી માલસામાન ઊંચી જગ્યાએ ખસેડવાનું શરૂ કર્યું હતું.
જિલ્લામાં સરેરાશ 3.79 ઇંચ વરસાદ નોંધાયો છે, જેમાં પલસાણા તાલુકામાં સૌથી વધુ 7.44 ઇંચ વરસાદ વરસ્યો છે. વરસાદથી અસરગ્રસ્ત 137 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જ્યારે માંડવી તાલુકાનો કેવડી ડેમ એલર્ટ સ્ટેજ પર પહોંચ્યો છે. ગ્રામ્ય પંચાયત હેઠળના 44 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે અને વૈકલ્પિક માર્ગો કાર્યરત રાખવામાં આવ્યા છે. ગોડાદરા, પર્વત પાટિયા સહિત ખાડીપૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાં NDRF અને SDRFની ટીમો તહેનાત કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં પૂરના કારણે આશરે ૨૮૪ જેટલા રસ્તાઓ અને નવસારીમાં ૧૫૫ થી વધુ માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે. સુરત શહેરમાં પણ ઉધના-નવસારી રોડ અને ગરનાળાઓમાં પાણી ભરાતા ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીઓનું જળસ્તર જોખમી સપાટીએ પહોંચતા નવસારીના બીલીમોરા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગે સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારની તમામ શાળાઓમાં આવતીકાલે રજા જાહેર કરી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું તંત્રએ જણાવ્યું છે.
નવસારી જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે આવતીકાલે જિલ્લામાં આવેલી તમામ આંગણવાડીઓ, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ ITI સંસ્થાઓ બંધ રાખવાનો આદેશ કર્યો છે.
વહીવટી તંત્રે નાગરિકોને ભારે વરસાદ દરમિયાન બિનજરૂરી બહાર ન નીકળવા, પાણી ભરાયેલા રસ્તાઓ પાર ન કરવા, નદી-ખાડી અને નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા તેમજ અફવાઓને બદલે માત્ર સત્તાવાર સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.