ગુજરાતના સ્થાનિક હવામાન વિભાગે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો રહેલો છે કે કેમ તે અંગે વાત કરી છે. આ સિવાય હવે આગામી દિવસોમાં ગુજરાતનું હવામાન સૂકું રહેવાની અને ક્યાંક લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીના લીધે વરસાદ થઈ શકે છે તેવી સંભાવનાઓ વ્યક્ત કરી છે. અમદાવાદ હવામાન કેન્દ્ર દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગેની વિગતો જણાવવામાં આવી છે.
આગામી પાંચ દિવસના હવામાન અંગે આગાહી કરતા અમદાવાદ હવામાન કેન્દ્રના વડા ડૉ. મનોરમા મોહંતી જણાવે છે કે, આગામી પાંચ દિવસ ગુજરાતમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. કન્વેક્ટિવિટી એક્ટિવિટીની પણ વધુ સંભાવનાઓ નથી. જોકે, આજે સુરત, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં એકાદ જગ્યા પર વરસાદ થઈ શકે છે. જોકે, તે પણ સામાન્ય વરસાદની સંભાવનાઓ છે.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો કેટલો?
ગુજરાત પર વાવઝોડાનો ખતરો હોવાની સંભાવનાઓ હાલ જોવાઈ રહી છે તે અંગે હવામાન વિભાગના ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, હાલ તો અરબ સાગરમાં સર્ક્યુલેશન છે, આગામી 25 કલાકમાં લો પ્રેશર બનશે અને તે પછી જ તેનું એનાલિસિસ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે.
સર્ક્યુલેશન લો પ્રેશર બનશે તે પછી તે વાવાઝોડું બનીને ત્રાટકશે કે નહીં તે નક્કી થતું હોય છે. આ સાથે હવામાન વિભાગે જણાવ્યું છે કે લો પ્રેશર બન્યા પછી તે વાવાઝોડામાં પરિવર્તિત થશે કે કેમ તે અંગેનો અભ્યાસ કરવામાં આવશે અને તે પછી તે અંગે આગાહી કરવામાં આવશે. ડૉ. મોહંતીએ કહ્યું કે લો પ્રેશર બન્યા બાદ તે વાવાઝોડું બનશે કે નહીં બને તે સહિતની વિગતો સ્પષ્ટ કરવામાં આવશે.
કેવુ રહેશે હવામાન?
રાજ્યમાં ભરઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે જેના કારણે સતત તાપમાનનો પારો ગગડીને નીચે જઈ રહ્યો છે. રવિવારે અમદાવાદ સહિત રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો, જોકે, આજે ફરી મહત્તમ તાપમાનમાં વધારો થયો હોવાનું અનુભવાઈ રહ્યું છે.
રાજ્યની ગરમી અંગે વાત કરતા હવામાન વિભાગના અમદાવાદ ડિરેક્ટરે જણાવ્યું છે કે, હાલ રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહિવત છે પરંતુ તેમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે આગામી દિવસોમાં ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે.
રાજ્યની ગરમી અંગે વાત કરતા હવામાન વિભાગના અમદાવાદ ડિરેક્ટરે જણાવ્યું છે કે, હાલ રાજ્યના તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહિવત છે પરંતુ તેમાં 1-2 ડિગ્રીનો વધારો થઈ શકે છે. એટલે કે આગામી દિવસોમાં ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે.
ભેજના કારણે બનેલી લોકલ કન્વેક્ટિવિટીની અસરના લીધે તથા દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્ક્યુલેશન હતું તેથી રાજ્યમાં વરસાદ થયો હતો. આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર હતી. જોકે, હજુ પણ ભેજનું પ્રમાણ વધુ છે અને ગરમી વધશે તેના કારણે લોકલ કન્વેક્ટિવિટી એક્ટિવિટીના કારણે વરસાદ થવાની શક્યતાઓ છે.