અંબાલાલ પટેલની આગાહી: ફરી બની રહી છે મજબૂત સિસ્ટમ, ગુજરાતમાં અહીં પડશે ભારે વરસાદ, નવેમ્બર સુધીમાં ચક્રવાતની પણ આગાહી
Rain Forecast in Gujarat: સમગ્ર ઓગસ્ટ મહિનો લોકોએ અને તેમાં પણ ખાસ કરીને ધરતીપુત્રોએ મેહુલિયાની કાગડોળે રાહ જોઈ હતી. મેઘરાજા રિસાઈ જવાથી રાજ્યમાં ઠેર-ઠેર પર્જન્ય યજ્ઞ સહિતના વિધિ-વિધાન કરીને લોકોએ મેઘરાજાના મનામણા શરૂ કર્યા હતા. જોકે, ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમીના તહેવારથી રાજ્યમાં ચોમાસાનો ચોથો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે. રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળતા લોકો ગેલમાં આવી ગયા છે. ત્યારે હવે વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તેઓએ કહ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં વરસાદ થશે અને ઓક્ટોબર મહિનામાં પણ વરસાદની શક્યતા છે.
વરસાદી સિસ્ટમ થશે રિટર્નઃ અંબાલાલ પટેલ
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 10 સપ્ટેમ્બરથી એટલે કે આજથી વરસાદી સિસ્ટમ રિટર્ન થશે. ગુજરાતમાં 12 સપ્ટેમ્બર સુધી વરસાદ રહે તેવી શક્યતા છે. 12 સપ્ટેમ્બર બાદ પણ વધુ એક સિસ્ટમ બની રહી છે.
2 દિવસ બાદ ગરમીનું પ્રમાણ વધશે
તેઓએ ગરમીને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 13 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી ગરમીનું પ્રમાણ વધશે. ગરમીના કારણે હવાના દબાણ થતાં વરસાદની સંભાવના છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 14મી સપ્ટેમ્બરે બંગાળના ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બની રહી છે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં વધુ એકવાર ભારે વરસાદની શક્યતા છે. સાથે જ ઉતર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની સંભવાના છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે ગુજરાતમાં કેટલાક ભાગમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે. 17 ઓક્ટોબરના રોજ ભારે પવન ફુકાશે અને નવરાત્રીમાં વાદળછાયું વાતાવરણ રહેશે.
નદીઓમાં પાણીની સપાટી વધી
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામતા ખેડૂતો આનંદમાં આવી ગયા છે. ડાંગ જિલ્લામાં તો ભારે વરસાદને પગલે અંબિકા, પૂર્ણા, ગીરા અને ખાપરી નદીઓમાં પૂરની સ્થિતિ ઉદ્ભવી છે. પૂર્ણા નદીની હાલની સપાટી 18 ફૂટ છે, જ્યારે તેની ભયજનક સપાટી 23 ફૂટ છે. અંબિકા નદીમાં પણ હાલ સપાટી વધીને 12 ફૂટ થઈ ગઈ છે. સારા વરસાદથી ખરીફ પાકને જીવનદાન મળ્યું હોઈ ખેડૂતોમાં આનંદ છવાયો છે. નવસારીમાં બે દિવસથી મેઘ મહેર યથાવત છે.