રાજ્યમાં થોડા દિવસથી ગુજરાતીઓ બે ઋતુનો અનુભવ કરતા હતા. વહેલી સવારે અને રાતે ગુલાબી ઠંડી અને બપોરે કાળઝાળ ગરમી વર્તાતી હતી. જ્યારે સોમવારથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સોમવારે રાજકોટ, જુનાગઢ, પોરબંદર, દ્વારકા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસ્યો હતો. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં દિવાળી પહેલા માવઠું થવાની આગાહી કરી છે. તેમણે જણાવ્યુ છે કે, 11 નવેમ્બર સુધી ખેડૂતોમાં ચિંતાનો માહોલ રહેશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુ ટ્યુબ ચેનલમાં ગુજરાતમાં માવઠા અંગે આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, 8થી 11 નવેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા રહેલી છે. આ માવઠાથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના જિલ્લાઓ સૌથી વધુ પ્રભાવિત થશે.
આ સાથે તેમણે રાજ્યના કયા કયા વિસ્તારોમાં માવઠું થશે તે અંગે જણાવતા કહ્યુ કે, સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ અને પોરબંદરના અમુક વિસ્તારો હશે તે વધારે પ્રભાવિત થઇ શકે છે. આ સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમં માવઠાની તીવ્રતા વધારે રહેશે. આ વિસ્તારોમાં છૂટાછવાયા અને હળવા માવઠા થશે.
આ સાથે તેમણે જણાવ્યુ કે, આ ઉપરાંત દ્વારકા, જામનગર મોરબી સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદની શક્યતા છે. કચ્છની વાત કરીએ તો વાગડ વિસ્તાર અને દરિયાઇ કાંઠાના વિસ્તારોમાં વધારે ઘાટા વાદળો જોવા મળશે. આ વિસ્તારોમાં ક્યાંક ક્યાંક એકલદોકલ વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે.
પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યુ કે, ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લામાં વધારે પડતા ઘાટ્ટા વાદળો જોવા મળશે અને ક્યાંક ક્યાંક સામાન્ય વરસાદ થવાની શક્યતા છે.
હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠાના વિસ્તારો તથા મઘ્ય ગુજરાતના અન્ય વિસ્તારોમાં 8થી 11 નવેમ્બરમાં માત્ર ઘાટા વાદળો થાય અને બીજી કોઇ અસર ન જોવા મળે તેવું અનુમાન છે.
પરેશ ગોસ્વામીએ એમ પણ જણાવ્યુ કે, ઓલઓવર જોવા જઇએ તો અરબી સમુદ્રની અસ્થિરતા ગુજરાતથી ઘણી દૂર છે પરંતુ 8થી 11 નવેમ્બર દરમિયાન આ અસ્થિરતા ગુજરાત નજીક પહોંચશે અને ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. જોકે, આ માવઠા માટેનું લાંબુ અનુમાન કહેવાય આમાં પણ ફેરફાર થવાની ઘણી શક્યતાઓ હોય છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 8થી 11નું આ સેશન ગુજરાતના ખેડૂતો માટે ચિંતાજનક હશે.
આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, આ માવઠાની તીવ્રતા વઘારે નહીં હોય. તેનાથી ચોમાસું પાકના પાછોતરું હાર્વેસ્ટિંગમાં નુકસાન થઇ શકશે નહીં. આ જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ થવાનો નથી.