ગુજરાતમાં ફરી એક વખત ચોમાસું જામ્યું છે. વિદાય વખતે ભારે પવન સાથે મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં રાજ્યમાં કેવો વરસાદ વરસશે તે અંગેની આગાહી પણ જોઈએ. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, હાલ ટ્રફ લાઈનના કારણે વરસાદ થઈ રહ્યો છે. આ ટ્રફ લાઈન ઉત્તર-પૂર્વ અરબ સાગર સુધી લંબાયેલી છે.
અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે શનિવારે આપેલી માહિતીમાં જણાવ્યું હતું કે, "આજના દિવસ દરમિયાન ગુજરાતમાં થંડરસ્ટ્રોમ વોર્નિંગ રહેશે." વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
અમદાવાદમાં ચારથી પાંચ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થયો છે. સાથે જ આજે અમદાવાદ-ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આજે ગુજરાતમાં વરસાદમાં ઘટાડો નોંધાવવાની શક્યતા છે. જ્યારે આવતી કાલથી વરસાદ ખૂબ જ ઓછો જોવા મળશે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, "એક સિસ્ટમ અત્યારે બિહાર ઉપર સક્રિય છે. બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાતની નજીક આવી અને અત્યારે એક સાયક્લોનિક સર્ક્યુલેશન ખંભાતના અખાતમાં સક્રિય છે. ભાવનગરથી લઈ દક્ષિણ ગુજરાતની વચ્ચેનો જે દરિયાઈ ભાગ છે, તે ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. જેના ભાગરૂપે વરસાદ નોંધાઈ રહ્યા છે
આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં તથા સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ તથા દીવમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે વીજળી અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી છે.
આ 30 સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે. જોકે, આમાં અતિવૃષ્ટિની શક્યતાઓ નથી. પરંતુ કેટલાક વિસ્તારમાં મધ્ય તો કેટલાક ભાગોમાં મધ્યથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આવનારા સમયમાં પણ આ વરસાદ જોવા મળશે