IMD forecast : દેશના ઘણા બધા રાજ્યોમાં ઠંડીએ દસ્તક આપી દીધી છે. ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ સાથે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. દક્ષિણ ભારતમાં કમોસમી વરસાદ શરૂ થઈ ગયો છે. ફેંગલ વાવાઝોડાને કારણે દક્ષિણ ભારતમાં ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે ભારતીય હવામાન ખાતા દ્વારા તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ, ઉત્તરમાં ગાઢ ધુમ્મસ અને દિલ્હીમાં ખરાબ હવાની ગુણવત્તાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે IMDની મોટી આગાહી!, જાણીએ શું છે IMDની આગાહી?
આંદામાન સમુદ્રમાંથી ઉદભવેલું ગંભીર ચક્રવાતી તોફાન ફેંગલ ભારતના કિનારા પર ભારે તબાહી મચાવી શકે છે. બુધવાર સુધીમાં તે વધુ ગંભીર બનવાની અને દેશના ઘણા બધા રાજ્યોમાં વિનાશ વેરવાની ધારણા છે. આ વાવાઝોડાને કારણે શ્રીલંકા અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં ભારે તબાહીનો વહેમ છે. જેના કારણે હવામાન ખાતા દ્વારા ઘણા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આંદામાન સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાન ફેંગલને કારણે હાલમાં ચેન્નઈ સહિત તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે.
IMDના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીના મધ્ય દક્ષિણ અને પૂર્વ વિષુવવૃત્તીય હિંદ મહાસાગર પર ખૂબ જ ગાઢ ચક્રવાત વિસ્તારની હાજરીને કારણે, આગામી દિવસોમાં તમિલનાડુ, પુડુચેરી અને દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ડિપ્રેશન ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે, જેના પરિણામે 27 અને 28 નવેમ્બરની વચ્ચે દરિયાકાંઠાના તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીનો કેવો રહેશે મિજાજ? હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની જોરદાર આગાહી
જો કે, ચક્રવાત ફેંગલને કારણે, 27 અને 28 નવેમ્બરના રોજ તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે પવન સાથે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને તમિલનાડુમાં ચક્રવાત ફેંગલના કારણે ભારે વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થવાનો ડર છે. ચક્રવાતનો સામનો કરવાની તૈયારી માટે તમિલનાડુ અને પુડુચેરીમાં NDRFની 7 ટીમો તૈનાત કરવામાં આવી છે. હવામાન વિભાગે ભારે વરસાદને કારણે આ રાજ્યોમાં શાળાઓ બંધ રાખવાની ભલામણ કરી છે. બંગાળની ખાડી પર દબાણના કારણે તમિલનાડુમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન ખાતાએ આગાહી કરી છે કે તે 27 નવેમ્બરે ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થશે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિનની અધ્યક્ષતામાં તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં NDRF અને રાજ્યની ટીમો નાગાપટ્ટિનમ, માયલાદુથુરાઈ અને કુડ્ડલોર જેવા સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી હતી. કટોકટીનો સામનો કરવા માટે રાહત શિબિરો, તબીબી ટીમો અને 24/7 કટોકટી ઓપરેશન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. હાલ માછીમારોને દરિયાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે ચેન્નઈમાં પાણી ભરાવાને કારણે ટ્રાફિક જામ અને નાની-મોટી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે.
તમિલનાડુ ઉપરાંત, દક્ષિણ તટીય આંધ્ર પ્રદેશમાં પણ 27 થી 29 નવેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે!, તમિલનાડુના દરિયાકાંઠાના ડેલ્ટા વિસ્તારો તીવ્ર વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થશે, જે 27 થી લઇને 29 નવેમ્બર સુધી રહેવાની શક્યતા છે.
જ્યારે દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે ઉત્તર ભારત ગાઢ ધુમ્મસનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને ઉત્તર પ્રદેશ જેવા વિસ્તારોમાં લોકોને ભારે ધુમ્મસનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ વિસ્તારો 28 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી ગાઢ ધુમ્મસથી પ્રભાવિત થશે. આ સિવાય હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં 27 થી 30 નવેમ્બર સુધી ધુમ્મસ રહેવાની શક્યતા છે, જેનાથી વિઝિબિલિટી ઓછી હોવાને કારણે દૈનિક પ્રવૃત્તિઓમાં બધા આવી શકે છે.