Weather in gujarat : રાજ્યમાં હાલ પૂર્વ તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે ગુજરાતના તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય તેમ હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી છે. ગુજરાતનું હવામાન આગામી 7 દિવસ માટે સુકું રહેવાનું છે. ગુજરાતમાં મંગળવારે વડોદરા અને નલિયામાં લઘુત્તમ તાપમાન સૌથી નીચું નોંધાયું હતું. ગુજરાતના હવામાનનો આગામી સમયમાં કેવો મિજાજ છે તે અંગેની આગાહી હવામાન ખાતા અને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવી છે તે જોઈએ.
આ પણ વાંચો : ગુજરાતના હવામાનમાં મોટી ઉથલપાથલ, કાતિલ ઠંડી વચ્ચે ત્રાટકશે વાવાઝોડું!
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે મંગળવારે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું હતું કે, રાજ્યમાં આગામી 3 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની સંભાવના નથી. આ પછી કેટલાક સેન્ટરો પર 1 થી 2 ડિગ્રી ઘટાડો જોવા મળી શકે છે. જોકે, ફરી પાછું તાપમાન સામાન્ય થઈ જશે.
હવામાન ખાતાના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણે વધુમાં એ જણાવ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 15.9 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. જ્યારે ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 15.3 ડિગ્રી નોંધવામાં આવ્યું છે. રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયા અને વડોદરામાં 13.8 ડિગ્રી નોંધવામાં આવ્યું છે.
આ પણ વાંચો : એક વધુ વાવાઝોડાનો ખતરો!, દેશના 8 રાજ્યોમાં પવન સાથે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
તેમણે આગળ જણાવતા કહ્યું છે કે, અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી જવાની સંભાવના છે, જ્યારે ગાંધીનગરમાં પણ 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન જઈ શકે છે. તેમણે એમ પણ જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કેટલાક સેન્ટરો પર ટૂંકાગાળા માટે તાપમાનમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. હાલ રાજ્યના તાપમાનમાં કોઈ મોટા ફેરફારોની શકયતાઓ નથી.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે તેમની આગાહીમાં જણાવ્યું છે કે, ભૂમધ્ય સમુદ્રમાંથી બરાબરનો વહેન ન ઉછળે તો ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા નથી. મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તો ઠંડી વધુ પડે નહીં. પરંતુ આ વખતે શિયાળામાં એશિયાના ભાગોમાં હમણાં જ ભારે ઠંડી પડવાની સંભાવના રહેતા એશિયા ખંડના ઠંડા પવનો ભારત પર અસર કરશે અને ઠંડી લાવશે.
હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, 27 થી 30 નવેમ્બરના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની સંભાવના છે અને કદાચ વાવાઝોડું પણ બની શકે છે. જેના ભેજના લીધે મધ્યપ્રદેશ સુધી વાદળો આવી શકે છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે એમ પણ જણાવ્યું છે કે, ડિસેમ્બર માસમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવે અને ઉનાળામાં ગરમી પડે તો હિમાલયમાંથી નીકળતી નદી પર અસર થઈ શકે છે. આ વખતે ગ્લોબલ વોર્મિંગના થવાના બદલે કોલ્ડ કન્ડિશન થવાની સંભાવના રહેશે. ગુજરાતના ભાગોમાં ડિસેમ્બર મહિનાની શરૂઆતમાં ઠંડા પવનો ફૂંકાય પરંતુ ગાત્રો થીજવતી ઠંડી 22 ડિસેમ્બર પછી પડી શકે છે. 27 ડિસેમ્બર પછી ગુજરાતના ભાગોમાં તાપમાન 8 ડિગ્રી થઈ જવાની સંભાવના રહેશે. અત્યારે ભલે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હોય. પરંતુ ડિસેમ્બરના મધ્ય પછી સારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા હિમાલયમાં ભાગોમાં બરફ વર્ષા થશે.