Meteorological Department forecast : ગુજરાતમાં હાલ ધીમે-ધીમે શિયાળો જામી રહ્યો છે. સવારે અને રાતે તો ઠંડી લાગે છે પરંતુ હવે બપોરના સમયમાં પણ તાપમાન પહેલા કરતા નીચું જોવા મળી રહ્યું છે. હવામાન ખાતાની આગાહી મુજબ, ગુજરાતમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ઠંડીમાં વધારો થઈ શકે છે. તો બીજી બાજુ દેશની વાત કરીએ તો, ચોમાસું ગયા પછી ફરીથી વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે.
હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, બંગાળની ખાડીમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે. જેનું નામ ''ફેંગલ'' હશે. જેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદના હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા બુધવારે ગુજરાતના વાતાવરણ અંગેની આગાહી કરવામાં આવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આગામી 2 થી 3 દિવસ તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી. કેટલાક વિસ્તારોમાં 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધતું જોવા મળી શકે છે. 2 દિવસ પછી ઉત્તરના પવનોની અસર રહેવાની સંભાવના છે. જેના કારણે 1 થી 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું આવી શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીના ચમકારા વચ્ચે IMDની મોટી આગાહી!, જાણીએ શું છે IMDની આગાહી?
ગુજરાતમાં હાલ પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. હવામાન ખાતાએ જણાવ્યું છે કે, 2-3 દિવસ પછી ગુજરાતમાં ઉત્તરના પવનો ફૂંકાશે. ગુજરાતમાં ઉત્તરીય પવનો ફૂંકાતા તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડીમાં વધારો થશે. રાજ્યના કેટલાક વિસ્તારમાં 2 દિવસ પછી તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.
અમદાવાદના હવામાન ખાતાના મોસમ વૈજ્ઞાનિક, અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની સંભાવના લગાવવામાં આવી રહી છે. રાજ્યમાં બુધવારે વડોદરા સૌથી ઠંડુ શહેર તરીકે નોંધવામાં આવ્યું છે. વડોદરાનું લઘુતમ તાપમાન 13.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. રાજ્યમાં મોટા ભાગના સ્થળોએ 15 ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન નોંધવામાં આવ્યું છે. આ સાથે અમદાવાદમાં 16.1 ડિગ્રી સેલ્સિયસ, ગાંધીનગરમાં 15.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું.
ચોમાસા પછી બંગાળની ખાડીમાં ''ફેંગલ'' વાવાઝોડું સર્જાયું છે. આ પહેલાં ઓક્ટોબર મહિનામાં ''દાના'' નામનું વાવાઝોડું બન્યું હતું. જે ઓડિશાના દરિયાકિનારે ટકરાયું હતું. હાલ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાંથી ''ફેંગલ'' નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને તેની સૌથી વધારે અસર દક્ષિણ ભારતનાં રાજ્યોને થવાની સંભાવના હાલ દેખાઈ રહી છે. મળતી માહિતી મુજબ, શ્રીલંકા પાસેથી થઈને આ સિસ્ટમ તામિલનાડુના દરિયાકિનારા પાસે પહોંચશે. જેના કારણે અહીં ભારેથી અતિભારે વરસાદ પડશે અને ખૂબ ઝડપી પવન ફૂંકાય તેવી સંભાવના છે. જોકે, તેની કોઈ અસર ગુજરાત પર થાય તેવી હાલ કોઈ સંભાવના નથી.